અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ધારીમાં સિંહણના હુમલામાં મહિલાના મોતની ઘટના હજુ તાજી છે, ત્યાં જ લીલીયા તાલુકાના પીઠવાજાળ ગામે દીપડાએ એક માસૂમ બાળકીને નિશાન બનાવતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક જ દિવસમાં સિંહ અને દીપડાના હુમલાની આ બીજી ઘટનાને પગલે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.


એક જ દિવસમાં સિંહ-દીપડાનો બીજો હુમલો

પીઠવાજાળ ગામની સીમમાં આવેલી એક ખેડૂતની વાડીમાં શ્રમિક પરિવારની 5 વર્ષની બાળકી રમી રહી હતી. આ દરમિયાન નજીકની ઝાડીઓમાંથી ઓચિંતા ધસી આવેલા દીપડાએ માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો. દીપડાએ બાળકીને પકડી લેતા પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેને પગલે દીપડો બાળકીને છોડીને નાસી છૂટ્યો હતો. આ હુમલામાં બાળકીને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

લીલીયા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

ઘટનાની જાણ થતા જ લીલીયા વન વિભાગની ટીમ પીઠવાજાળ ગામે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. બાળકી પર હુમલો કરનાર દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા ઘટનાસ્થળની આસપાસ પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં સિંહ અને દીપડા દ્વારા માનવ વસવાટમાં કરવામાં આવેલા હુમલાઓને કારણે ખેતમજૂરો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: