આણંદના યુવક અને યુવતીને અમેરીકા લઇ જવાની લાલચ આપીને એજન્ટોએ અઝરબૈઝાન સ્થિત એક રૂમમાં ગોંધી રાખી તેમની પાસેથી રૂપિયા 65 લાખ પડાવ્યા હતા. જો કે વિદેશ મંત્રાલયની મદદથી બંનેનો સહીસલામત છૂટકારો થયો છે. આ કૌંભાડમાં ઇરાનના કુખ્યાત બાબાખાન અને પવન રોકીની સંડોવણી બહાર આવી છે.


મુંબઈની મમતા નામની એજન્ટે બંનેને અમેરિકા લઇ જવાનો વિશ્વાસ આપેલો

આણંદનાં જાંખરીયા ગામનાં ધ્રુવ પટેલ અને કંથારીયા ગામનાં દિપિકાબેન પટેલને વિદેશ જવાનું હોઈ તેઓએ મુંબઈનાં એજન્ટનો સંપર્ક સાધ્યો હતો ત્યારે મુંબઈની મમતા નામની એજન્ટે તેઓને વાયા અઝાર બૈઝાન કેનેડા થઈને અમેરીકા લઈ જવાનો વિશ્વાસ આપ્યો હતો.

વડોદરાથી અલગ અલગ ફલાઈટમાં દિલ્હી લઈ જવાયા

 ત્યારબાદ એજન્ટ દ્વારા ધ્રુવ પટેલ અને દિપિકા પટેલને તા.30 જાન્યુઆરીનાં રોજ વડોદરાથી અલગ અલગ ફલાઈટમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા,જયાં તેઓને મહીપાલપુરની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા.

બાકુની હોટલમાં પહોંચતા જ બંનેના ફોન સ્વીચ ઓફ કરી દેવાયા

ત્યારબાદ તા.1 ફેબ્રુઆરીનાં રોજ બન્નેને દિલ્હી એરપોર્ટ પરથી અઝારબૈઝાન લઈ જવામાં આવ્યા હતા.અને સવારે પોણા આઠ વાગે તેઓ અઝરબૈઝાનનાં બાકુ એરપોર્ટ પર ઉતરયા હતા જયાંથી તેઓને બાકુની એલીસ હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.બાકુની હોટલમાં પહોંચતા જ પવન નામનાં બીજા એજન્ટ દ્વારા ધ્રુવ અને દિપીકાનાં મોબાઈલ ફોન સ્વિચઓફ કરાવી દેવામાં આવ્યા હતા.

 વિડીયો કોલ પર વાત કરાવી પોતે કેનેડા પહોચી ગયા હોવાની ખોટી વાત કરાવી

 બાકુમાં 24 કલાક રાખ્યા બાદ એજન્ટ પવનએ ધ્રુવ અને દિપિકાને તેઓનાં પરિવાર સાથે વિડીયો કોલ પર વાત કરાવી પોતે કેનેડા પહોચી ગયા હોવાની ખોટી વાત કરાવી હતી,તેમજ પવને મૂળ એજન્ટ મમતાના બદલે નાણા સીધા તેને ચુકવવાની માંગ કરી હતી.

 મુંબઈની એજન્ટ મમતાને 35 લાખની રકમ ચુકવી હતી

ધ્રુવ અને દિપિકાના પરિવારજનોએ મુંબઈની એજન્ટ મમતાને 35 લાખની રકમ ચુકવી હતી તેમજ ત્યારબાદ 7 ફેબ્રુઆરીનાં રોજ ક્રિપ્ટો કરન્સી મારફતે પવનને પંદર લાખ ચુકવ્યા હતા.તેમજ દિપિકાનાં પરિવારજનો દ્વારા પવનને આઠ ફેબ્રઆરીનાં રોજ ક્રિપ્ટો કરન્સી મારફતે પંદર લાખની રકમ મળી કુલ 65 લાખની રકમ ચુકવવામાં આવી હતી.

બન્ને જણાને યાતના આપી અત્યાચાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું

ત્યારબાદ પરિવારજનોએ જયારે ધ્રુવ અને દિપિકા સાથે વાતચીત કરી ત્યારે બન્ને જણાને યાતના આપી હોવાનું તેમજ અત્યાચાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતુ પવન દ્વારા બન્નેને બંધક બનાવી વધુ પૈસાની માંગણી કરી હતી.તેમજ ધ્રુવ અને દિપિકાને ખાનબાબાને વેચી દેવામાં આવ્યા હોવાનું અને તેઓની કિડની કાઢીને વેચી નાખવાની ધમકીઓ આપી હતી,જેથી પરિવારજનો ગભરાઈ ગયા હતા,

સાંસદ અને ધારાસભ્યને જાણ કરાઇ

 ચિંતિત પરિવારજનોએ આ અંગે આણંદનાં સાંસદ મિતેશ પટેલ અને પેટલાદના ધારાસભ્ય અને મંત્રી કમલેશ પટેલને રજુઆત કરી હતી.જેને લઈ સાંસદ મિતેશ પટેલે તાત્કાલીક ભારત સરકારનાં ગૃહ વિભાગ અને વિદેશ મંત્રાલયને જાણ કરી હતી.

 ધ્રુવ અને દિપિકાને સુરક્ષિત રીતે છોડાવીને ભારતીય દુતાવાસમાં લઈ જવામાં આવ્યા

વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલીક ઓપરેશન મહિસાગર હાથ ધર્યુ હતું અને અઝાર બૈઝાન ખાતેનાં ભારતીય દુતાવાસનાં અધિકારીઓ દ્વારા તાત્કાલીક સ્થાનિક પોલીસની મદદથી ઓપરેશન પાર પાડી ધ્રુવ અને દિપિકાને સુરક્ષિત રીતે છોડાવીને ભારતીય દુતાવાસમાં લઈ જવામાં આવ્યા હતા,બન્ને યુવક યુવતી સલામત હોવાનું પરિવારજનોને જાણ થતા બન્ને યુવક યુવતીનાં પરિવારજનોએ આણંદનાં સાંસદ મિતેશ પટેલ અને વિદેશ મંત્રાલયનો આભાર માન્યો હતો..


આ પણ વાંચો-----    Junagadh : ભવનાથમાં નાગા સાધુનો આતંક, દત્ત ચોકમાં સાધુએ તલવાર ઉગામી યાત્રીકોને ડરાવ્યા, ​રસ્તાની બાજુમાં સૂતેલા લોકોને સાધુએ માર માર્યો


  • Follow us on: