આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામ પાસે આજે એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. બે ટુ-વ્હીલર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બેચરી ગામના માર્ગ પર બે ટુ-વ્હીલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ઉમરેઠ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.













