આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામ ખાતે આવેલી SHRI P.M. TOBACCO કંપની પર સ્ટેટ GST વિભાગ દ્વારા અત્યાર સુધીનું સૌથી લાંબુ અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જે કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલી આ રેડમાં, GST અધિકારીઓની ટીમ દ્વારા સતત 72 કલાક સુધી કંપનીના તમામ દસ્તાવેજો, હિસાબો અને માલસામાનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.


કંપની લાંબા સમયથી ટેક્સની ચોરી કરી રહી હોવાની આશંકા

ગુજરાત સ્ટેટ GSTની ટીમ દ્વારા આણંદ બ્રેકિંગ ઉમરેઠ વિસ્તારના દાગજીપુરા ખાતે જે રીતે ગોપનીયતા જાળવીને સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, તે જોતાં લાગે છે કે આમાં મોટાપાયે GST ચોરીનું રેકેટ છુપવવામાં આવેલું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કંપની લાંબા સમયથી ટેક્સની ચોરી કરી રહી હોવાની અને બોગસ બિલિંગ સહિતની ગેરરીતિ આચરતી હોવાની આશંકા છે.

 સંવેદનશીલ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા

ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન, અધિકારીઓએ વિવિધ સંવેદનશીલ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા હોવાનું માનવામાં આવે છે. જોકે, GST વિભાગ દ્વારા સત્તાવાર રીતે કેટલી રકમની કરચોરી પકડાઈ છે, તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ રાખવામાં આવ્યું છે.

GST ચોરીની ચોક્કસ રકમ અને સંડોવાયેલા લોકોની વિગતો અકબંધ

આ મેગા ઓપરેશનના અંતે વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય અથવા સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે, જેમાં GST ચોરીની ચોક્કસ રકમ અને સંડોવાયેલા લોકોના નામ જાહેર થઈ શકે છે. તમાકુ ઉદ્યોગ સાથે સંકળાયેલી આ કંપની પર કરવામાં આવેલી રેડ અન્ય વેપારીઓ માટે પણ લાલબત્તી સમાન છે. આ ઘટના દર્શાવે છે કે, GST ચોરી કરનારાઓ સામે સરકાર કડક વલણ અપનાવી રહી છે, અને ટૂંક સમયમાં જ આ મહારેકેટનો પર્દાફાશ થઈ શકે છે.


આ પણ વાંચો - Surat News: ધ્વનિ પ્રદુષણ અટકાવવા સુરત ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ, કરવામાં આવી કડક કાર્યવાહી



  • Follow us on: