આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામેથી એક અત્યંત કરૂણ અને માઠા સમાચાર સામે આવ્યા છે. અલારસા ગામના બસ સ્ટેન્ડ પાસે બપોરના સુમારે એકાએક એક તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વૃક્ષ નીચે રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટની લારી દબાઈ ગઈ હતી. ઝાડ નીચે દબાઈ જવાને કારણે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક ટેમ્પો ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
વાહનોનો કચ્ચરઘાણ
ઘટનાની મળતી વિગતો અનુસાર, બોરસદના ફતેપુર વિસ્તારમાં રહેતા ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો લઈને અલારસા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ આ આકાશી આફત ત્રાટકી હતી. વર્ષો જૂનું તોતિંગ લીમડાનું ઝાડ અચાનક મૂળમાંથી ઉખડીને રસ્તા પર પડતાં ટેમ્પો, રિક્ષા અને ત્યાં ઊભેલી ફ્રૂટની લારી તેનો ભોગ બની હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વાહનોને ભારે નુકસાન થયું હતું.
ફતેપુરના રહીશનું મોત
ઝાડ પડવાનો મોટો અવાજ આવતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ઝાડ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, બોરસદના ફતેપુરના રહીશ એવા ટેમ્પો ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોટી જાનહાનિ ટળી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બપોરના સમયે બની હોવાથી મોટી જાનહાનિ ટળી છે, કારણ કે સાંજના સમયે આ બસ સ્ટેન્ડ અને વૃક્ષ નીચે મોટી સંખ્યામાં લોકો બેસતા હોય છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર અલારસા પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Anand News: લાઓસમાં ફસાયેલી બોરસદની બે યુવતીઓનું 'ઓપરેશન મહીસાગર 2.0' હેઠળ સફળ રેસ્ક્યુ