આણંદ જિલ્લાના ગંભીરા પાસે મહીસાગર નદી પર બની રહેલા નવા બ્રિજના નિર્માણ કાર્યમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રિજના કોલમ પર સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક શ્રમિક અંદાજે 10 ફૂટની ઊંચાઈથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં મૂળ બિહારના વતની એવા જુલફર ખાન નામના શ્રમિક યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતે કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.
સુરક્ષાના નિયમો નેવે મૂકાયા
કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા આ અકસ્માતમાં સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, આટલી ઊંચાઈ પર કામ કરી રહેલા શ્રમિકો પાસે હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ જેવા અનિવાર્ય સુરક્ષા સાધનો ઉપલબ્ધ નહોતા. સુરક્ષાના સાધનો વિના જોખમી કામ કરાવતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે જ આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સરકારી ધારાધોરણો મુજબ કામદારોની સુરક્ષાની જવાબદારી જે તે એજન્સીની હોય છે, પરંતુ અહીં નિયમોને નેવે મૂકીને શ્રમિકોના જીવના જોખમે કામ કરાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.













