આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલી રૂ (Cotton) ભરેલી એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ટ્રક અને તેમાં રહેલો લાખોનો માલ બળીને ખાક થઈ ગયો હતો.
ઈસરવાડા ગામ પાસે બની ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામ પાસેથી જ્યારે આ ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ તેમાં તણખા ઝર્યા હતા. ટ્રકમાં રૂ ભરેલું હોવાથી આગે પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોડી રાત્રિના અંધકારમાં હાઈવે પર આગની લપેટો જોઈને વાહનચાલકો થંભી ગયા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.













