અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તંત્ર દ્વારા બગીચા માટે ફાળવેલી જગ્યાએ શાક માર્કેટ શરૂ કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયનો વિરોધ કરવા માટે લોકોએ એક અનોખો અને આધ્યાત્મિક માર્ગ અપનાવી, સામુહિક સુંદરકાંડના પાઠ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહીશોની મુખ્ય રજૂઆત છે કે જો રહેણાંક વિસ્તારના બગીચાની જગ્યાએ શાક માર્કેટ બનાવવામાં આવશે, તો ભવિષ્યમાં ભારે ટ્રાફિક જામ અને ગંદકીના પ્રશ્નો ઉદ્દભવશે.


શાક માર્કેટ શરૂ કરવાના નિર્ણયનો વિરોધ

બગીચો એ પર્યાવરણ અને બાળકોના રમતગમત માટે અનિવાર્ય છે, તેના બદલે વ્યાપારી પ્રવૃત્તિ શરૂ કરવી તે અયોગ્ય છે. નોંધનીય છે કે, આ પૂર્વે પણ સ્થાનિકોએ 'નોટિફાઈડ એરિયા ઓથોરિટી'ની કચેરી ખાતે થાળી-વેલણ વગાડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા, આ વખતે રામધૂન અને સુંદરકાંડના પાઠ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રહીશોની માંગ છે કે તંત્ર જનહિતમાં આ નિર્ણય પરત ખેંચે, અન્યથા આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: