હોળી-ધુળેટીના પર્વે રાજ્યમાં અનેક સ્થળે ડૂબી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાંથી અત્યંત દુખદ સમાચાર મળી રહ્યા છે. જાલમપુર ગામ નજીકથી પસાર થતી માઝમ નદીમાં ન્હાવા ગયેલા બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બંનેના મોત નીપજ્યા છે.


બુટાલ અને ગુલાબપુરાના યુવાનોએ જીવ ગુમાવ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, ધનસુરા તાલુકાના જાલમપુરા અને બુટાલ ગામના બે મિત્રો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. મૃતક યુવકોની ઓળખ ખાંટ આનંદભાઈ લાલાભાઈ (રહે. ગુલાબપુરા) અને ડાભી રણજીતસિંહ જયંતિસિંહ (રહે. બુટાલ) તરીકે થઈ છે. નદીના પાણીમાં ડૂબતા યુવાનોએ બૂમાબૂમ કરી હતી, પરંતુ બચાવ કામગીરી થાય તે પહેલા જ તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા નદી કાંઠે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે ધનસુરા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. તહેવારના દિવસે જ બે તેજસ્વી યુવાનોના મોતથી બંને ગામોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો - Aravalli News: ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, બે બાળકોના તળાવમાં ડૂબી જતાં મોત


  • Follow us on: