બાળ જાતીય શોષણ વિરોધી કાયદો (POCSO Act) હેઠળ નોંધવામાં આવેલા એક ગંભીર કેસમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટ દ્વારા આજ રોજ એક ઐતિહાસિક અને દાખલો બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે વાવ-થરાદ વિસ્તારના આરોપી સુરજસિંહ રાઠોડને સગીરા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદાએ સમાજમાં કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરી છે.\


સગીરા વિરુદ્ધ આચરવામાં આવેલો ગુનો અત્યંત ઘૃણાસ્પદ

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગુનાની ઘટના વર્ષ 2023માં બની હતી. ભાભરનો રહેવાસી આરોપી સુરજસિંહ રાઠોડ યુવતીને લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તત્કાળ કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી અને પુરાવાઓ એકઠા કરીને કેસ કોર્ટમાં રજૂ કર્યો હતો.

દિયોદર એડિશનલ સેશન કોર્ટ સમક્ષ સરકારી વકીલે મજબૂત દલીલો અને નક્કર પુરાવા રજૂ કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે, સગીરા વિરુદ્ધ આચરવામાં આવેલો ગુનો અત્યંત ઘૃણાસ્પદ છે અને આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ, જેથી સમાજમાં આવા અપરાધો આચરવાનું વિચારે તેવા લોકોને કડક સંદેશ મળી રહે.

કોર્ટે આરોપી સુરજસિંહ રાઠોડને દોષિત ઠેરવ્યો

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને તમામ પુરાવાઓનું બારીકાઈથી અવલોકન કર્યા પછી, માનનીય કોર્ટે આરોપી સુરજસિંહ રાઠોડને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, બાળકો અને સગીર યુવતીઓની સુરક્ષા સર્વોપરી છે અને આવા અપરાધો સામે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે.

આ ચુકાદાની જાહેરાત થતાં જ પીડિત પરિવારને ન્યાય મળ્યાની રાહત થઈ છે. 20 વર્ષની સજા સાથે 10000 રૂપિયાનો દંડ ફટકારવો એ સૂચવે છે કે, કાયદાની પકડથી કોઈ ગુનેગાર છટકી શકશે નહીં. આ ચુકાદો બાળ જાતીય શોષણના કેસોમાં ઝડપી અને અસરકારક ન્યાય પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.


આ પણ વાંચો - Gandhinagar: ગુજરાત પોલીસ ભરતી 2024, લોકરક્ષકનું આખરી પરિણામ જાહેર, 11,899 ઉમેદવારો ઉત્તીર્ણ



  • Follow us on: