મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયા બાદ પણ બનાસકાંઠાના પાલનપુર ખાતેના સૂચિત બાયપાસ પ્રોજેક્ટનો વિરોધ યથાવત રહ્યો છે. પાલનપુરના ખોડલા ગામ નજીક મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને સરકારના આ નિર્ણય સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધમાં ખેડૂતોએ એક ખેડૂતનું બાવલું બનાવીને તેને જૂતાનો હાર પહેરાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા લેવાયો હતો નિર્ણય
પાલનપુરના એરોમા સર્કલ પરની સતત ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે સરકારે પાલનપુર શહેરની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય લીધો છે. જોકે, આ પ્રોજેક્ટના કારણે જે ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે, તેઓ પોતાની ચિંતાઓ અને માંગણીઓ અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ પૂરતું અને વ્યાજબી વળતર આપવાની છે, તેમજ તેમની અન્ય માંગણીઓ પર પણ ધ્યાન આપવામાં આવે.













