બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ ગેરકાયદે દબાણ હટાવવાની મેગા-ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. થરાદ જિલ્લાનું વડું મથક બન્યા બાદ શહેરના મુખ્ય માર્ગો પરની અવ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેને કારણે લાંબા સમયથી માર્ગો પર અડચણરૂપ બનેલા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


તમામ ગેરકાયદે બાંધકામો અને પતરાંના શેડ દૂર કરવામાં આવ્યા

થરાદ નગરપાલિકાના સત્તાધીશો અને પોલીસ કાફલાની હાજરીમાં આ કામગીરી શરૂ કરાઈ હતી. મુખ્યત્વે, શાક માર્કેટ વિસ્તાર અને ચાર રસ્તાથી શીત કેન્દ્ર સુધીના માર્ગ પરના નાના-મોટા તમામ ગેરકાયદે બાંધકામો અને પતરાંના શેડ દૂર કરવામાં આવ્યા હતા. આ માર્ગો પર લારી-ગલ્લાં અને દુકાનદારોએ કરેલા દબાણને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થતાં માર્ગો ખુલ્લા થયા છે.

શહેરને સુંદર બનાવવાના ભાગરૂપે આ ઝુંબેશ ચલાવવામાં આવી

નગરપાલિકાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેરને સુવ્યવસ્થિત અને સુંદર બનાવવાના ભાગરૂપે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અનેક વખતની નોટિસો છતાં દબાણ ન હટાવનારા સામે આખરે બુલડોઝર ચલાવવાની ફરજ પડી હતી. થરાદના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે લેવાયેલા આ પગલાંને સ્થાનિક જનતાએ આવકાર્યો છે.

રોજગાર પર અસર પડી હોવાનો આક્ષેપ

આ દબાણ હટાવવાની કામગીરી હવે અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેશે, તેમ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. દબાણ દૂર થવાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને શહેરના વહીવટી વડા મથક તરીકેની સુચારુ વ્યવસ્થા જળવાશે. વહેલી સવારથી શરૂ થયેલી આ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરીથી વેપારી વર્ગ ચોક્કસથી નારાજ છે. આ કાર્યવાહીથી તેમના રોજગાર પર અસર પડી હોવાનો આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો - Vadodaraના ડભોઇના થુવાવી અને અંબાવ ગામે નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા,તલાટી, વહીવટદાર અને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ, જુઓ Video


  • Follow us on: