બનાસકાંઠા જિલ્લામાં બટાટાની ખેતી કરતા ખેડૂતો હાલ ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ બટાટાનું ઉત્પાદન ભારે પ્રમાણમાં થયું છે તો બીજી તરફ બજારમાં ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ખાડી દેશોમાં ઊભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે બટાટાની નિકાસ પણ અસરગ્રસ્ત બનતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.


બટાટાની ખેતી માટે બનાસકાંઠા જિલ્લો મહત્વનું સ્થાન ધરાવે છે

સમગ્ર રાજ્યમાં બટાટાની ખેતી માટે બનાસકાંઠા જિલ્લો મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં મોટા ભાગના ખેડૂતો ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને બટાટાની ખેતી પર આધાર રાખે છે. ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજિત 64,948 હેક્ટર વિસ્તારમાં બટાટાની ખેતી કરવામાં આવી હતી. ખેડૂતોના અથાગ પરિશ્રમ બાદ જિલ્લામાં બટાટાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થયું હતું.

ભાવ ખૂબ જ નીચા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

બટાટાનું ઉત્પાદન સારું થતાં શરૂઆતમાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પરંતુ જ્યારે બટાટા બજારમાં લાવવા શરૂ કર્યા ત્યારે તેના ભાવ ખૂબ જ નીચા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ત્યાં થતી બટાટાની નિકાસમાં ઘટાડો

તેની સાથે ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ત્યાં થતી બટાટાની નિકાસમાં ઘટાડો થયો છે, જેના કારણે સ્થાનિક બજારમાં પુરવઠો વધી ગયો છે અને ભાવ વધુ ઘટી ગયા છે.

 ખેતરોમાં બટાટાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે

હાલ સ્થિતિ એવી બની છે કે ઘણા ખેડૂતોના ખેતરોમાં બટાટાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે તો ભાડાનો ખર્ચ વધી જાય છે અને હાલ મળતા ભાવ પ્રમાણે ખર્ચ પણ પૂરો થતો નથી.

ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે

આ પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા મગફળી સહિતના પાકોની જેમ બટાટા માટે પણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે અથવા સબસીડી આપવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક સહારો મળી શકે


આ પણ વાંચો----     Vadodara: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત, માગ કરતા સપ્લાય અડધો થતા વેટિંગ લિસ્ટ લંબાયું

  • Follow us on: