ગુજરાતના 66માં સ્થાપના દિવસના અવસરે રાજ્યને એક નવી દિશા આપવા માટે અંબાજીની જાણીતી સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સંસ્થા 1 મેથી 'બાળ ભિક્ષા મુક્ત ગુજરાત' નામનું રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા બાળકોને રોડ પરથી ક્લાસરૂમ સુધી લઈ જઈ તેમનું પુનર્વાસ કરવાનો છે.
ભિક્ષા થી શિક્ષા તરફનું કદમ
અમદાવાદના વૈષ્ણો દેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે એવા બાળકોને જોયા છે, જેઓ રસ્તા પર ભીખ માંગતા હતા, પરંતુ આજે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પ્રોફેશનલ અને ખેલાડી બન્યા છે. અમારો ઉદ્દેશ્ય ભિક્ષા થી શિક્ષાની દિશામાં બદલાવ લાવવાનો છે.
66 અગ્રણીઓના વીડિયો મેસેજથી જાગૃતિ
ગુજરાતના 66માં સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે, સમાજના વિવિધ ક્ષેત્રના 66 અગ્રણીઓ (ઉદ્યોગપતિઓ, પ્રોફેશનલ્સ અને સામાજિક અગ્રણીઓ) ના ખાસ વીડિયો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવશે. આ મેસેજ દ્વારા જનતાને આ સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહ્વાન કરાશે.
સંસ્થાની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ
- શિક્ષણ અને આશ્રય: વર્ષ 2011થી કાર્યરત આ સંસ્થાએ 200થી વધુ બાળકોને આશ્રય, પોષણ અને શિક્ષણ આપ્યું છે.
- બેગપાઇપર બેન્ડ: જે બાળકો પહેલા ભિક્ષાવૃત્તિમાં હતા, તેમની ગુજરાતની પ્રથમ આદિવાસી કન્યાઓની બેગપાઇપર બેન્ડ ટીમ બનાવી છે, જેણે પીએમ અને સીએમ સામે પ્રસ્તુતિ આપી છે.
- મહિલા સશક્તિકરણ: 350થી વધુ મહિલાઓને સિલાઈ અને અન્ય કૌશલ્યો શીખવી આત્મનિર્ભર બનાવી છે.
ભવિષ્યનું આયોજન
સંસ્થા હવે થરાદ અને અન્ય વિસ્તારોમાં નવા તાલીમ કેન્દ્રો સ્થાપીને વધુ બાળકો અને મહિલાઓ સુધી પહોંચવા કટીબદ્ધ છે. આ અભિયાન દ્વારા ગુજરાતના દરેક બાળકને ભિક્ષા મુક્ત કરી સન્માનજનક જીવન આપવાનું લક્ષ્ય છે.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યની તિજોરી છલકાઈ, GST આવકમાં 44%નો તોતિંગ ઉછાળો, એપ્રિલમાં નોંધાઈ અત્યાર સુધીની સૌથી વધુ આવક