બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ એક વિશાળ 'કિસાન મહાપંચાયત'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં ધાનેરા સહિત વાવ અને થરાદ પંથકના મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. ખેડૂતોમાં મુખ્યત્વે તમ્બાકુના પાક પર લાદવામાં આવેલા 65 ટકા જેટલા તોતિંગ ટેક્સને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ તેમને ખેતીના પાકના પૂરતા ભાવ મળી રહ્યા નથી, અને બીજી તરફ સરકાર દ્વારા ટેક્સનો બોજ વધારી દેવામાં આવ્યો છે, જેનાથી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે.
ટેક્સનો માર
ટેક્સના પ્રશ્ન ઉપરાંત, ખેડૂતોએ અગાઉ થયેલા માવઠાને કારણે પાકમાં થયેલા નુકસાનનું વળતર હજુ સુધી ન મળ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. મહાપંચાયતમાં એકઠા થયેલા ખેડૂતોએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓ સંતોષવા માટે ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યું છે. ખેડૂત અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો વહેલી તકે ટેક્સમાં ઘટાડો અને માવઠાનું વળતર ચૂકવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.













