રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. પારો શૂન્યથી નીચે જતાં સમગ્ર વિસ્તાર હિમનગરીમાં ફેરવાઈ ગયો છે. માઉન્ટ આબુના પ્રખ્યાત પોલ ગ્રાઉન્ડમાં સવારના સમયે બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી હતી. મેદાનોમાં ઉગેલા ઘાસ અને બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ પર બરફના થર જામી ગયા હતા. તાપમાનની વાત કરીએ તો, માઉન્ટ આબુ શહેરમાં માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી ઊંચા પોઇન્ટ એવા ગુરુ શિખર પર પારો માઇનસ 6 ડિગ્રી સુધી ગગડી જતાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
શૂન્ય નીચે પારો
આ કાતિલ ઠંડી છતાં પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાંથી પ્રવાસીઓ આ અદભૂત નજારાનો આનંદ લેવા માટે આબુમાં ઉમટી પડ્યા છે. વહેલી સવારે નકી લેક અને અન્ય પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ગરમ કપડામાં સજ્જ થઈ બરફ સાથે રમત કરતા અને ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા હતા. હોટલના ટેરેસ અને બગીચાઓમાં પડેલા પાણીના કુંડાઓમાં પણ બરફ જામી ગયો હતો. પ્રકૃતિનો આ મનમોહક નજારો પ્રવાસીઓ માટે મિની કાશ્મીર જેવો અનુભવ કરાવી રહ્યો છે.













