ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યો છે. આજે કચ્છના ભચાઉ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે. વારંવાર આવતા આ આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભચાઉથી 9 કિમી દૂર કેન્દ્રબિંદુ
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 9 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, શાંત વાતાવરણમાં લોકોએ સ્પષ્ટ ધ્રૂજારી અનુભવી હતી. આંચકો આવતાની સાથે જ કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર નીકળી આવ્યા હતા.
જાન-માલનું નુકસાન નહીં
રાહતની વાત એ છે કે, આ ભૂકંપની તીવ્રતા 2.8 જેટલી મધ્યમ હોવાથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલસામાનના નુકસાનના સમાચાર મળ્યા નથી. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
કચ્છમાં કેમ આવે છે વારંવાર ભૂકંપ?
કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5 માં આવે છે, જે ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય અને સંવેદનશીલ ગણાય છે. ભચાઉ, રાપર અને અંજાર જેવા વિસ્તારો ફોલ્ટ લાઈન પર આવેલા હોવાથી અહીં સમયાંતરે નાના-મોટા આંચકાઓ નોંધાતા રહે છે. નિષ્ણાતોના મતે, જમીનની અંદર પ્લેટોની હલચલને કારણે આ પ્રકારે એનર્જી રીલીઝ થતી હોય છે, જેના પરિણામે આંચકા અનુભવાય છે. ભચાઉમાં અગાઉ પણ અનેકવાર આ પ્રકારના આંચકા નોંધાઈ ચૂક્યા છે, પરંતુ સતત આવતા કંપનને લીધે સ્થાનિક રહેવાસીઓમાં 2001ના વિનાશક ભૂકંપની યાદો તાજી થઈ જાય છે અને ભયનું લખલખું પસાર થઈ જાય છે.
આ પણ વાંચો - Opinion:કચ્છમાં 1819નો વિનાશક ભૂકંપ અને સુનામી