ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવતા સરકારી અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વાગરાના ગલોદરા ગામમાં સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલા અનાજના જથ્થામાંથી મોટા પ્રમાણમાં કાંકરા મળી આવતા રેશનકાર્ડ ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગલોદરા ગામની દુકાનનો વીડિયો વાયરલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલા ગલોદરા ગામની સસ્તા અનાજની દુકાનેથી ગ્રામજનોને રેશનિંગનું અનાજ આપવામાં આવ્યું હતું. જ્યારે કાર્ડ ધારકો ઘરે જઈને અનાજ સાફ કરવા બેઠા, ત્યારે તેમાં ચોખા કે ઘઉંના જથ્થા સાથે મિશ્રિત થયેલા પથ્થર અને કાંકરા જોઈને તેઓ અચંબામાં પડી ગયા હતા. આ નબળી ગુણવત્તાના અનાજનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે પુરવઠા વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી રહ્યો છે.













