ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. આજે આમોદમાં રખડતા શ્વાનોએ લોહિયાળ ખેલ ખેલતા માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં સાત જેટલા લોકોને બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનોએ રાહદારીઓ પર ઓચિંતો હુમલો કર્યો હતો.
એક કલાકમાં સાત લોકોને કૂતરાએ ભર્યા બચકા
શ્વાનના આ આતંકમાં માસૂમ બાળકો, મહિલાઓ અને યુવાનો પણ બાકાત રહ્યા નથી. એક જ કલાકમાં સાત લોકોને શ્વાને બચકા ભરતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે આમોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એકાએક હડકાયા શ્વાનના શિકાર બનેલા દર્દીઓ ઉમટી પડતા તબીબી સ્ટાફ પણ દોડતો થયો હતો. આમોદ નગરજનો લાંબા સમયથી રખડતા કૂતરાઓના ત્રાસથી પરેશાન છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.













