ગુજરાતમાં કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ભરૂચના આમોદમાં નર્મદાની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતાં. ભર ઉનાળે ખેડૂતોના ખેતરમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ઉભા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે.
નર્મદા નિગમની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા
ભરૂચના આમોદમાં નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નર્મદા કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી 100 એકર જેટલી જમીનમાં ઘૂસી ગયું હતું. ખેતરોમાં પાણી ઘૂસી જતાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું હતું. મગનો ઉભો પાક બળીને ખાક થઈ ગયો હતો. દેવું કરીને ખેતી કરનારા ખેડૂતોની હાલત કપરી બની હતી. આમોદ મામલતદાર અને નર્મદા નિગમના અધિકારીઓને ખેડૂતોએ રજૂઆત કરી હતી. ઉભા પાકમાં તંત્રની બેદરકારીને કારણે થયેલા નુકસાનું વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી હતી.













