ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ઘાંઘળી હાઇવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાઘવ પેટ્રોલ પંપ પાસે આવેલા નાળા નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર બે યુવાનોને જોરદાર અડફેટે લીધા હતા. આ હૃદયદ્રાવક અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું.


રાઘવ પેટ્રોલ પંપ પાસેના નાળામાં બની ઘટના

મૃતક યુવાનની ઓળખ દીપકકુમાર જયપાલ તરીકે થઈ છે, જેઓ વલ્લભીપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માત બાદ બીજા ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ વલ્લભીપુર અને સિહોર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

મૃતદેહને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડાયો

પોલીસે મૃતક શિક્ષકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડ્યો હતો અને હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. એક સેવાભાવી શિક્ષકના આકસ્મિક અવસાનથી શૈક્ષણિક જગતમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: