બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો આખા રાજ્યમાં પડી રહ્યા છે. આ ઘટનાને પગલે કોળી સમાજમાં ભારે રોષ છે, ત્યારે પીડિતની ખબર પૂછવા માટે સમાજના દિગ્ગજ રાજકીય નેતાઓ મહુવા દોડી આવ્યા હતા. મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નવનીતભાઈની મુલાકાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પહોંચ્યા હતા.
સાંસદ રાજેશ ચુડાસમા, ભારતી શિયાળ પીડિતને મળ્યા
આ નેતાઓએ પીડિત અને તેમના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી અને સમગ્ર ઘટના અંગે વિગતવાર ચર્ચા કરી હતી. થોડા દિવસો પહેલા મંત્રી કુંવરજી બાવળીયા અને માયાભાઈ આહિરની મુલાકાતને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જાગી હતી. આ અંગે સ્પષ્ટતા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, માયાભાઈ સાથેની મુલાકાત માત્ર એક સરકારી કાર્યક્રમને લઈને ઔપચારિક હતી, તેને આ ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી.













