ભાવનગર જિલ્લામાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જોકે, આ આત્મહત્યાના મામલે હવે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા સમગ્ર વિવાદ ઘેરો બન્યો છે. પરિજનોનો આરોપ છે કે, ઉચ્ચ અધિકારીના માનસિક ત્રાસના કારણે જ દિગ્વિજયસિંહને આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી છે.


શું છે સમગ્ર ઘટના?

ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશન PSO તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલ નામના હેડ કોન્સ્ટેબલે 21 જાન્યુઆરીના રોજ બપોરના સમયે ભુતેશ્વર ગામ ખાતે ચાલુ ફરજે ઝેરી દવા પીધી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ પર ઉપરી અધિકારીનું પ્રેશર હોવાના કારણે તેમણે ઝેરી દવા ગટગટાવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો હતો.

PSI સામે ગંભીર આક્ષેપો

મૃતકના પરિવારજનોએ સીધો આરોપ લગાવ્યો છે કે, ઘોઘા પોલીસ મથકના PSI બી. કે. ગોસ્વામી દ્વારા દિગ્વિજયસિંહ ગોહિલને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસ સહન ન કરી શકતા તેમણે જીવન ટૂંકાવ્યું છે. મૃતકના બહેને આ મામલે ભાવુક થઈ ક્ષત્રિય સમાજને ન્યાય માટે આગળ આવવા આહ્વાન કર્યું છે.

'PSI બી.કે. ગોસ્વામીના ત્રાસથી મારા પતિએ આત્મહત્યા કરી છે'

મૃતક પત્ની રિદ્ધિબા દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મારા પતિ મજબૂત માણસ હતા, તેઓ આવું પગલું ક્યારેય ન ભરે. કાગળી માટે PSI બી. કે. ગોસ્વામીના ત્રાસ એ આપતા હતા. તેઓ મારા પતિ પાસે સતત તેમનું લોકેશન મંગાવી તેમને હેરાન કરતા હતા. હજામત કરાવવા, ફરવા જવા, મારી પુત્રીની સારવાર કરવા કે અન્ય સ્થળે હોય ત્યારે પણ તેઓ મારા પતિનું લોકેશન મંગાવતા અને તેમને નજક કેદમાં રાખવાનો પ્રયાસ કરતા હતા. આ આત્મહત્યા નથી, પણ માનસિક ત્રાસ આપીને કરવામાં આવેલી હત્યા છે.

'માનસિક ત્રાસ આપવાને કારણે મારો દીકરો સતત તણાવમાં રહેતો હતો'

મૃતકના માતા મનહરબા જયદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસે ફાઈલમાં માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો છે. પણ તેઓ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને મેડલ પણ મળ્યા છે. PSI બી. કે. ગોસ્વામી દ્વારા માનસિક ત્રાસ ગુજારવાના કારણે મારો દીકરો સતત તણાવમાં રહેતો હતો. મારો દીકરો માનસિક ન હતો, તમે મારા દીકરાને એટલો ત્રાસ આપ્યો કે એ ડિપ્રેશનમાં જતો રહ્યો.

'પુરાવા સાથે છેડછાડ કરીને આ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે'

મૃતકના બહેન સોનલબા જાડેજાએ જણાવ્યું હતું કે, જે કાર્યવાહી ત્રણ કલાકમાં થવી જોઈએ, એને આજે ત્રણ દિવસ વીતી ગયા છતા કોઈ કાર્યવાહી થઈ નથી. ઉપરી અધિકારીઓ આ સમગ્ર કેસને દબાવી દેવા માંગે છે. એટલે તેઓ મારા ભાઈને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવી રહ્યા છે. તેઓ પુરાવા સાથે છેડછાડ કરીને આ મામલો દબાવી દેશે. મારા ભાઈ પર કેટલો ત્રાસ આપ્યો હશે, કે તેને નાના બાળકો હોવા છતા આત્મહત્યા કરવા મજબૂર બન્યો.




ધરણાં પર બેસવાની ચીમકી

પરિવાર દ્વારા માગ કરવામાં આવી છે કે, જવાબદાર PSI વિરૂદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આખો પરિવાર કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો - Bhavnagar News: પોલીસ બેડામાં ખળભળાટ, ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ


  • Follow us on: