ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે વન્ય પ્રાણી દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વાડી વિસ્તારમાં શિકારની શોધમાં ભટકી રહેલો એક દીપડો અચાનક અંધારામાં અથવા ગફલતમાં ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો. કૂવામાંથી અવાજ આવતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને દીપડાને કૂવામાં પડેલો જોઈ સમગ્ર પંથકમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. દીપડો કૂવામાં હોવાની જાણ થતા જ આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.


પરવાળા ગામે દીપડો કુવામાં ખાબક્યો

આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા, વિભાગની સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ પાંજરા અને જરૂરી સાધનો સાથે પરવાળા ગામ જવા રવાના થઈ હતી. દીપડો કૂવામાં હોવાથી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વન વિભાગ દ્વારા વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. ગ્રામજનોમાં કુતૂહલની સાથે સાથે ફફડાટ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે વાડી વિસ્તારોમાં દીપડાની લટારને પગલે ખેડૂતો હવે રાત્રિના સમયે ખેતરે જતાં ડરી રહ્યા છે.

વન વિભાગની રેસ્ક્યુ ટીમ પરવાળા ગામ જવા રવાના

વન વિભાગના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા લોકોને કૂવાની આસપાસ ભીડ ન કરવા સખત સૂચના આપી છે. વન વિભાગે જણાવ્યું છે કે લોકોના દેકારાથી વન્ય પ્રાણી વધુ ઉશ્કેરાઈ શકે છે અથવા ગભરાઈ શકે છે, જે રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ ઊભો કરી શકે છે. હાલમાં સ્થળ પર શાંતિ જાળવવા અને દીપડાને સહીસલામત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: