ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સગાઈ તૂટી જવાની અદાવત રાખીને એક શખ્સે તેની પૂર્વ મંગેતર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવતીની સગાઈ આરોપી શખ્સ સાથે એક વર્ષ પહેલાં થઈ હતી. જોકે, કોઈ કારણોસર માત્ર 5 દિવસ પહેલા જ આ સગાઈ તોડી નાખવામાં આવી હતી. સગાઈ તૂટી જવાનો ખાર રાખીને ઉશ્કેરાયેલા પૂર્વ ભાવિ પતિએ યુવતી પર હુમલો કરી તેને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા.


યુવતીની માતાએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

હુમલાના અવાજને પગલે આસપાસના લોકો દોડી આવતા હુમલાખોર નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે લોહીલુહાણ થયેલી યુવતીને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ મામલે યુવતીની માતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પારિવારિક તકરાર અને આવેશમાં આવીને કરવામાં આવતા આવા હુમલાઓને કારણે સમાજમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: