ભાવનગરમાં કરણી સેના દ્વારા નિવૃત્ત આર્મીમેન વિરુદ્ધ નોંધાયેલા કેસમાં કલમ 307 દૂર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના 26 નવેમ્બરના રોજ શહેરના ફુલસર વિસ્તારમાં બની હતી. જ્યાં નિવૃત્ત આર્મીમેને એક બાઇકચાલકને ધીમે ચલાવવા કહેતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. કરણી સેનાની રજૂઆત મુજબ, નિવૃત્ત આર્મી જવાને પોતાના પરિવાર અને સ્વ-બચાવ માટે મજબૂરીવશ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
બાઇક ધીમે ચલાવવાનું કહેતા સર્જાઈ હતી મારામારી
સેનાનો દાવો છે કે આ કલમ રાગદ્વેષ રાખીને લગાવવામાં આવી છે. કરણી સેનાએ માંગ કરી છે કે, આર્મી જવાન દ્વારા થયેલું ફાયરિંગ સ્વ-બચાવમાં હતું, જેના CCTV ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. તેથી, કલમ 307ને તાત્કાલિક હટાવીને નિવૃત્ત આર્મીમેનને ન્યાય અપાવવામાં આવે.













