ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં સિંહના આંટાફેરા હવે સામાન્ય બન્યા છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયોએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય માર્ગના કાંઠે જ એક સિંહ આરામથી મિજબાની માણી રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ જગાડી રહ્યો છે.
રોડના કાંઠે મિજબાની માણતો વીડિયો થયો વાયરલ
આ વાયરલ વીડિયો પાલીતાણા-જેસર રોડ પરના કાંઠા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહ રસ્તાની બિલકુલ નજીક જ પોતાનો શિકાર કરી રહ્યો છે. આ અદભૂત નજારો જોવા માટે ત્યાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. સ્થાનિકોએ પોતાના વાહનો રોકીને સલામત અંતર રાખી વનરાજને મિજબાની માણતા નિહાળ્યો હતો અને આ દ્રશ્ય મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતું.













