ભાવનગર શહેરના ઘોઘા સર્કલ નજીક આવેલા ટીવી કેન્દ્ર પાસેના અંબર એપાર્ટમેન્ટમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ એક ફ્લેટમાં લાગેલી આ આગમાં ઘરમાં એકલા હાજર રહેલા અશક્ત વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા. ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરી વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું હતું.
ગાદલા પર દીવો પડતા લાગી આગ
ઘટનાની મળતી માહિતી અનુસાર, અંબર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ફ્લેટમાં પરિવારના સભ્યો બહાર ગયા હતા, ત્યારે ઘરમાં એક અશક્ત વૃદ્ધ એકલા હતા. આ દરમિયાન ગાદલા ઉપર સળગતો દીવો અચાનક ઊંધો પડી જતાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખા રૂમમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા.
ફાયર વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ
આગની જાણ થતા જ એપાર્ટમેન્ટના રહીશો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘરમાં ફસાયેલા ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધને સહીસલામત બહાર કાઢી રેસ્ક્યુ કર્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આગ પર મેળવાયો કાબૂ
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ દીવો ગાદલા પર પડવાનું જણાયું છે. ફાયર ફાઈટરોએ સતત પાણીનો છંટકાવ કરીને આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
આ પણ વાંચો - Bhavnagar News: ભાવનગર કલેક્ટર કચેરી પાછળ ભીષણ આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ