ભાવનગર શહેરના કાળુભા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં સૂર્યરાજ ટાવરની સામે બની રહેલા એક બિલ્ડિંગમાં કામ કરી રહેલા આધેડ શ્રમિક સાતમા માળેથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પાણી છાંટતી વખતે સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ મોરચંદ ગામના વતની 55 વર્ષીય હકાભાઈ બારૈયા આ નિર્માણધીન બિલ્ડિંગમાં બેલદાર તરીકે કામ કરતા હતા. આજે તેઓ બિલ્ડિંગના સાતમા માળે ચણતર કામ પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સંતુલન બગડતા તેઓ સાતમા માળેથી સીધા નીચે પટકાયા હતા. ઊંચાઈ પરથી પટકાવાને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના લીધે તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.













