યાત્રાધામ પાલીતાણામાં પશુઓમાંથી વધુ દૂધ મેળવવા માટે વપરાતા પ્રતિબંધિત અને સ્વાસ્થ્ય માટે જોખમી એવા ઓક્સિટોસિન ઇન્જેક્શનના વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પાલીતાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી તવાઈમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયા બાદ હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
પ્રોવિઝન સ્ટોરમાં ચાલતું હતું કાળુંબજાર
ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલીતાણાના 'સોહિલ પ્રોવિઝન સ્ટોર' પર SOGની ટીમ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન દુકાનમાંથી દૂધના વધુ ઉત્પાદન માટે પશુઓને આપવામાં આવતા ઓક્સિટોસિન ઇન્જેક્શન અને દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ દવા પશુઓના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે અને તેનાથી મળતા દૂધની ગુણવત્તા પર પણ વિપરીત અસર પડે છે, જે મનુષ્યો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.
DySP મિહિર બારીયાએ તપાસના આદેશ આપ્યા
આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને DySP મિહિર બારીયાએ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા છે. DySPએ જણાવ્યું હતું કે, અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે આ પ્રતિબંધિત દવાનો જથ્થો દુકાનદાર ક્યાંથી લાવ્યો હતો? આ પાછળ કયું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તેની પણ તપાસ ચાલુ છે.
ગ્રાહકો અને અન્ય વિક્રેતાઓ પર નજર
પોલીસ દ્વારા હવે એ યાદી તૈયાર કરવામાં આવી રહી છે કે, આ દુકાનદારે અત્યાર સુધી કોને કોને આ ઇન્જેક્શન વેચ્યા છે. ઉપરાંત, પાલીતાણા શહેરમાં અન્ય કોઈ સ્થળે જો આ પ્રકારે ગેરકાયદેસર વેચાણ થતું હશે, તો ત્યાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ DySP દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પર્દાફાશથી પશુપાલકો અને ગેરકાયદેસર દવા વેચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Bhavnagar : 5 વર્ષ પહેલાં બનેલ હત્યાકાંડમાં 4 આરોપીઓને આજીવન સજા, મહુવા એડિશનલ સેશન્સ કોર્ટે ફટકારી સજા