ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અમલી બનાવાયેલા અશાંતધારા (Disturbed Areas Act) ના ઉલ્લંઘનનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ઘોઘારોડ પોલીસ મથકમાં મામલતદાર દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. નોંધનીય છે કે, 'સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક રક્ષક અધિનિયમ' હેઠળ ગુજરાતની આ બીજી અને ભાવનગરની પ્રથમ ફરિયાદ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, ભાવનગરના ઘોઘારોડ વિસ્તારમાં અશાંતધારો લાગુ થયા બાદ એક વર્ષ પહેલાં એક મિલકતનો સોદો કરવામાં આવ્યો હતો. દર્શરાજસિંહ ગોહિલ નામના વ્યક્તિએ પોતાની માલિકીની મિલકત, કલેક્ટર કે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી કે કાયદેસરના દસ્તાવેજ વગર, અલારખભાઈ ગીગાણી નામના વ્યક્તિને અંદાજે રૂ. 93 લાખની કિંમતે વેચી દીધી હતી.
સરકારની મંજૂરી લેવી અનિવાર્ય
અશાંતધારા હેઠળ આવતા વિસ્તારોમાં મિલકતની લે-વેચ માટે સરકારની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે, જેનો અહીં સ્પષ્ટ ભંગ થયો હોવાનું સામે આવ્યું છે.
તંત્રની કડક કાર્યવાહી
આ ગેરકાયદેસર વ્યવહારની જાણ થતા જ ભાવનગર મામલતદારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને જોતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પંચનામું કરી, પુરાવા એકત્ર કર્યા છે અને આ મિલકત હસ્તાંતરણમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ગેરકાયદે વ્યવહાર ચલાવી લેવામાં આવશે નહીં
આ કેસથી ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અશાંતધારા હેઠળ આવતી મિલકતોમાં કોઈપણ પ્રકારનો ગેરકાયદે વ્યવહાર ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો---- Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું