મનગમતા પાત્ર સાથે જીવન વિતાવવાના સપના જોતા પ્રેમી યુગલો માટે ભાવનગરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાંચ વર્ષના પ્રેમ સંબંધ બાદ લગ્ન કરનારા યુગલ પર યુવતીના પરિવારે જ હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બોટાદના યુવકે તેના સસરા અને અન્ય સંબંધીઓ સામે મારપીટ અને પત્નીના અપહરણનો ગંભીર આક્ષેપ કર્યો છે.


ઇન્સ્ટાગ્રામની દોસ્તી પ્રેમમાં પરિણમી

મૂળ બોટાદના વતની યશ ઉપાધ્યાય અને ભાવનગરની પ્રિયા મોરડીયા વચ્ચે પાંચ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા પરિચય થયો હતો. આ પરિચય પ્રેમમાં બદલાતા બંનેએ એક મહિના પહેલા જ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, પ્રિયાના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો.

સમાધાનનું બહાનું અને લોહિયાળ ખેલ

યશે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત રોજ મોડી સાંજે સસરા પર્વતભાઈ મોરડીયાએ સમાધાનના બહાને દીકરી અને જમાઈને જમવા માટે ઘરે બોલાવ્યા હતા. વિશ્વાસ રાખીને યશ તેના માતા-પિતા અને પત્ની સાથે સાસરીમાં પહોંચ્યો હતો, પરંતુ ઘરે પહોંચતા જ સસરાએ બારણાં બંધ કરી દીધા હતા અને અગાઉથી તૈયાર રાખેલા અજાણ્યા માણસો તેમજ મામા-ફુવા સાથે મળીને યશ અને તેના પરિવાર પર તૂટી પડ્યા હતા.

પત્નીનું અપહરણ અને પોલીસ ફરિયાદ

યશનો આરોપ છે કે, મારપીટ દરમિયાન તેના માસા અને મામાએ બળજબરીપૂર્વક તેની પત્ની પ્રિયાનું અપહરણ કર્યું હતું. આ મામલે મોડી રાત્રે નીલમબાગ પોલીસ મથકમાં સસરા પર્વતભાઈ, હિતેશભાઈ મોરડીયા સહિત કુલ 7 લોકો સામે ગુનો નોંધાયો છે. પોલીસે અપહરણ અને મારપીટની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. ગુમ થયેલી યુવતી પ્રિયાની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Bhavnagar: ટ્રીપલ હત્યા કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકા કોર્ટમાં હાજર, બંધ બારણે નિવેદન લેવાયું


  • Follow us on: