ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે પીવાના પાણીની મુખ્ય લાઈનનો વાલ્વ અચાનક ખરાબ થઈ જતાં લાખો લીટર પાણીનો બગાડ થયો હતો. કુંભારવાડા ફાટક પાસે બનેલી આ ઘટનાને કારણે રસ્તાઓ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી અને અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રના ભોગે ભર ઉનાળે રોડમાં પાણી ભરાયા છે, જે કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી અનુસાર, ભાવનગરના કુંભારવાડા ફાટક પાસે આવેલી પાણીની પાઈપલાઈનનો વાલ્વ અચાનક ટેકનિકલ ખામીના કારણે ખરાબ થઈ ગયો હતો. વાલ્વ તૂટી જવાથી પાણી અત્યંત ઉંચાઈ સુધી ફુવારાની જેમ ઉડવા લાગ્યું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ પાણીના આ ફુવારામાં ભીંજાઈ ગયા હતા.
લોકોની હાલાકી
આ ઘટનાને કારણે નજીકમાં આવેલા અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ઓફિસ કે કામ અર્થે જતા લોકો પાણીની રેલમછેલને કારણે પરેશાન થયા હતા. એક તરફ શહેરમાં ઉનાળામાં પાણીની અછત વર્તાતી હોય છે, ત્યારે બીજી તરફ કલાકો સુધી પાણીનો આ પ્રકારે વ્યય થતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
ભાવનગર મનપા દ્વારા કામગીરી
ઘટનાની જાણ થતા જ ભાવનગર મહાનગરપાલિકા (BMC)ના હાઇડ્રોલિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભાવનગર મનપાના એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો પુરવઠો બંધ કરી ખરાબ થયેલા વાલ્વને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર મનપાએ ખાતરી આપી હતી કે, ટૂંક સમયમાં વાલ્વ રિપેર કરીને પાણી પુરવઠો રાબેતા મુજબ કરવામાં આવશે.
આ પણ વાંચો - Bhavnagar News: પાલીતાણામાં વનરાજની ‘રોડસાઇડ ડિનર’: રસ્તા કાંઠે શિકાર કરતા સિંહનો વીડિયો વાયરલ