નાયબ ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચનાં આદેશ મુજબ કલેક્ટર આનંદ પટેલનાં માર્ગદર્શનમાં જિલ્લાના અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧/૨૦૨૬ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એન્યુમેરેશનનાં તબક્કામાં કચ્છનાં કુલ ૧,૮૪૮ મતદાન મથકોનાં બીએલઓ તા.૪/૧૧થી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને ૧૬.૯૦ લાખ મતદારો પાસે પહોંચ્યા હતા અને મતદારોને એન્યુમેરેશન ફેર્મ અપાયા હતા. જેને પરત લેવાની છેલ્લી તા. ૧૪ ડિસેમ્બર નિયત કરવામાં આવી હતી. જેના પગલે ૧,૮૪૮ બૂથમાં સમાવિષ્ટ ૧૬,૯૦,૫૮૪ મતદારો પૈકી ૧૬,૯૦,૫૮૪નાં એન્યુમેરેશન ફોર્મ ડિજિટલાઇઝેશન થઇ જતાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.
૫૫,૨૭૬ મતદારોનાં મૃત્યુ જ્યારે ૧,૨૫,૯૦૧ મતદારોનું સ્થળાંતર
બીએલઓ દ્વારા એન્યુમેરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી દરમ્યાન ગેરહાજર, મૃત્યુ પામેલા તેમજ સ્થળાંતર સહિતનાં અન્ય કારણોસર ૨,૧૪,૦૯૧ મતદારોનો ઘટાડો થયો છે, જેમાં ૫૫,૨૭૬ મૃત્યુ, ૧૯,૬૭૫ સરનામા પર મળ્યા નથી અને ૧,૨૫,૯૦૧ મતદારો જિલ્લા બહાર સ્થળાંતર કરી ગયા હોવા સહિત અન્ય કારણોસર ૧૨,૩૧૦ મતદારો ઘટયા હોવાનું ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા દરમ્યાન ઉજાગર થયું છે.
ગાંધીધામ વિધાનસભામાં સૌથી વધુ ૫૧,૭૭૯ મતદારોનો ઘટાડો
જિલ્લાની છ વિધાનસભા વિસ્તાર વાઇઝ મતદારોમાં થયેલા ઘટાડા પર નજર કરવામાં આવે તો અબડાસા વિધાનસભા વિસ્તારમાં ૨,૬૨,૫૦૭ મતદારોમાંથી ૩૦,૩૫૪નો ઘટાડો થયો છે. આ જ રીતે માંડવીમાં ૨,૬૬,૪૦૫ મદારોમાંથી ૨૭,૮૮૯ મતદારો, ભુજમાં ૩,૦૫,૭૮૦ મતદારોમાંથી ૩૨,૬૬૩, અંજારમાં ૨,૮૧,૮૩૯માંથી ૪૦,૧૦૨, ગાંધીધામમાં ૩,૧૮,૦૧૬ માંથી ૫૧,૭૭૯ અને રાપર વિધાનસભામાં ૨,૫૬,૦૩૭માંથી ૩૧,૩૦૪ મતદારોનો ઘટાડો નોંધાયો છે.
ભુજ વિધાનસભામાં સૌથી વધુ ૧૧,૮૪૦ મતદારોનું મૃત્યુ
વિધાનસભા વાઇઝ નોંધાયેલા મૃત્યુ અને સ્થળાંતર થયેલા મતદારોની સંખ્યામાં મુખ્યત્વે અબડાસા વિધાનસભામાં ૮,૦૪૬ મૃત્યુ અને ૧૬,૮૧૩ મતદારોનું સ્થળાંતર, માંડવીમાં ૭,૬૨૬ મૃત્યુ અને ૧૫,૬૧૫ મતદારોનું સ્થળાંતર, ભુજમાં ૧૧,૮૪૦ મૃત્યુ અને ૧૫,૦૫૨ મતદારનું સ્થળાંતર, અંજારમાં ૮,૩૪૪ મૃત્યુ અને ૨૪,૯૮૦ મતદારોનું સ્થળાંતર, ગાંધીધામમાં ૧૦,૭૦૬ મૃત્યુ અને ૩૫,૪૩૮ મતદારોનું સ્થળાંતર અને રાપર વિધાનસભામાં ૮,૭૧૪નું મૃત્યુ અને ૧૮,૦૦૩ મતદારોનું સ્થળાંતર મળીને કુલ છ વિધાનસભા વિસ્તારમાં ૫૫,૨૭૬નાં મૃત્યુ અને ૧,૨૫,૯૦૧ મતદારો સ્થળાંતર થયાનું સામે આવ્યું છે.
મતદારયાદીમાં નોંધાયેલા ૧૬,૯૦,૫૮૪ મતદારો
તંત્ર દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં મતદારયાદીમાં નોંધાયેલા ૧૬,૯૦,૫૮૪ મતદારોમાંથી ૧૬,૯૦,૫૮૪ એન્યુમેરેશન ફોર્મનું ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યું છે, જેમાં અબડાસા વિધાનસભામાં ૨,૬૨,૫૦૭ એન્યુમેરેશન ફોર્મ, માંડવીમાં ૨,૬૬,૪૦૫, ભુજમાં ૩,૦૫,૭૮૦, અંજારમાં ૨,૬૧,૮૩૯, ગાંધીધામમાં ૩,૧૮,૦૧૬ અને રાપર વિધાનસભામાં ૨,૫૬,૦૩૭ એન્યુમેરેશન ફોર્મનો સમાવેશ થાય છે. તે જોતાં તંત્ર દ્વારા ૧૦૦ % ડિજિટલાઇઝેશન કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે.
આ પણ વાંચોઃ Surat News: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓનો રાજદ્રોહના કેસમાંથી છૂટકારો, કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી