કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે. જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે.
ઘોડે સવારી/ઊંટ સવારીનું રજિસ્ટ્રેશન
રણ ઉત્સવ દેશ-વિદેશથી આવતા સહેલાણીઓને અહીં કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો, હેન્ડક્રાફટ્સનો, સફેદ રણના સૌંદર્યનો અવિસ્મરણીય અનુભવ થાય છે. રણ ઉત્સવમાં આવતા પ્રવાસીઓ રણ વિસ્તારમાં ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારીનો ૫ણ આનંદ માણતા હોય છે. સ્થાનિક ઘોડે સવારી/ઊંટ સવારી માલીકો/ચાલકો દ્વારા પ્રવાસીઓને ફેરી સર્વિસ પૂરી પાડવામાં આવે છે જેને ધ્યાને લેતા રણ ઉત્સવમાં સહેલાણીઓના અનુભવને વધુ સુખદ બનાવવા, સલામત પ્રવાસનને વેગ આપવા તથા ઘોડે સવારી/ઊંટ સવારી ફેરી સર્વિસની અમલવારી સારી રીતે થઈ શકે તે માટે ઘોડે સવારી/ઊંટ સવારીનું રજિસ્ટ્રેશન કરાવી તેનું નિયમન કરવું જરૂરી છે.













