કચ્છની છએ છ વિધાનસભા વિસ્તારનાં ૧,૮૪૮ મતદાન મથકો ઉપર ચાર દિવસ બીએલઓેએ હાજર રહીને એન્યુમેરેશન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતાં, ત્યારે બાકી રહેલા મતદારોને ફોર્મ ભરવામાં તેમજ પરત કરવામાં સરળતા રહે તે માટે વધુ એકવાર ચૂંટણી પંચ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારમાં ગણતરી ફોર્મ જમા કરવાનો બે દિવસીય ખાસ મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો ૮,૨૫૪ મતદારો લાભ લીધો હતો. તંત્ર દ્વારા પણ અત્યાર સુધીમાં ૧૩,૯૦,૭૮૭ એન્યુમેરેશન ફોર્મને ડિજિટલાઇઝ કરાયા છે.
૨૦૦૨ની મતદાર યાદીમાંથી નામ શોધી આપવા સહિતની મૂંઝવણોમાં મદદરૂપ બન્યા
નાયબ ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનાં આદેશ મુજબ કલેક્ટર આનંદ પટેલનાં માર્ગદર્શનમાં તમામ વિધાનસભા વિભાગમાં બે દિવસીય મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ બંન્ને દિવસ કેમ્પ સ્થળે જવાબદાર કર્મચારીઓ હાજર રહ્યા અને મતદારોને તેમના ૨૦૦૨ની મતદાર યાદીમાંથી નામ શોધી આપવા સહિતની મૂંઝવણોમાં મદદરૂપ બન્યા હતાં. પ્રથમ દિવસે ૩૯૭૦ મતદારોએ અને બીજા દિવસે ૪,૨૮૪ મળીને કુલ ૮,૨૫૪ મતદારોએ કેમ્પનો લાભ લીધો હતો અને પોતાનાં એન્યુમેરેશન ફોર્મ કેમ્પ સ્થળ પર જમા કરાવ્યા હતાં.













