ભુજ શહેરને હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે જરૂરી છે.આ માટે આ માટે ભુજ ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન, ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ છેક ગાંધીનગર સુધી પત્ર દ્વારા તેમજ રૂબરૂમાં પણ રજુઆતો કરી ચૂક્યા છે.આ સંદર્ભે પાલિકા દ્વારા ઠરાવ કરીને પણ સરકારને મોકલી દેવામાં આવ્યો છે. ત્યારે સરકાર હવે ભુજ શહેરને ક્યારે મહા નગરપાલિકાનો દરજ્જો આપે છે તે જોવું રહ્યુ છે.થોડા સમય પહેલા ભુજ ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફૅડરેશન દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ભુજ મહાનગર બનાવવામાં આવે તે જરૂરી છે
ભુજ ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફૅડરેશન પ્રેસિડેન્ટ અનિલ ગોર દ્વારા કરાયેલી રજુઆતમાં ઉલ્લેખ કરાયો હતો કે, ભુજ શહેરનો વિસ્તાર અને વ્યાપ સતત વધી રહ્યો છે. તેવામાં ભુજ મહાનગર બનાવવામાં આવે તે જરૂરી છે. આ માટે શહેરનાં આસપાસના ગામડાઓનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે.
મહા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ
ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલનાં પ્રેસિડેન્ટ અવનીશ ઠક્કરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પહેલા ભુજ માત્ર ૬ કિમી વિસ્તારમાં હતું, આજે શહેરનો વિસ્તાર વધીને ૫૬ કિલોમીટર જેટલો થયો છે. હાલ પાલિકા હોવાના કારણે શહેરમાં અનેક સમસ્યા ઊભી થઈ છે. ત્યાર મહા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ છે. કારણ કે, મહા નગરપાલિકાનો દરજ્જો મળે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વધુ ગ્રાન્ટ મળે જેના કારણે શહેરનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે તેમ છે.
ભુજ શહેર અનેક સમસ્યાનો સામનો કરી રહ્યું છે
સિનિયર વકીલ ભરત ધોળકિયાએ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અગાઉ ગાંધીનગર અને જુનાગઢને ખાસ કિસ્સામાં મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. તાજેતરમાં પૂર્વ કચ્છમાં ગાંધીધામ પાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, ત્યારે હવે પશ્ચિમ કચ્છમાં જીલ્લાનાં પાટનગર ભુજને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ છે. આ માટે આગામી બજેટમાં સમાવેશ કરી ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને પણ વિવિધ સંસ્થાઓ દ્વારા રજુઆતો કરવામાં આવી છે. હાલમાં ભુજ શહેર અનેક સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેવામાં ભુજને મહાનગરનો દરજ્જો મળે તો શહેરનો વધુ સારી રીતે વિકાસ થઈ શકે તેમ છે.
પાલિકા દ્વારા મહાનગરપાલિકા માટે જરૂરી ઠરાવ પણ કરાયો
ભુજ પાલિકાનાં કારોબારી ચેરમેન મહિદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેર અત્યારે ૫૬ ચો.કી.મીથી પણ વધુ વિસ્તરી ચૂક્યંુ છે. છેવાડાનાં વિસ્તારોમાં અનેક નવી સોસાયટી અસ્તિત્વમાં માનવ વસ્તી વધી છે. આ સિવાય આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ભુજમાં ભાડે મકાન લઇને પણ રહેતા થયા છે. તેઓ પણ સ્વાભાવિક પણે પાલિકાની તમામ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે આજે ભુજ શહેરની વસતી વધીને ૪.૫૦ લાખ પહોંચી ગઇ છે, ત્યારે પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે સામાન્ય સભામાં ઠરાવ કરીને સરકારમાં સબમિટ પણ કરી દેવામાં આવ્યો છે, એટલું જ નહીં નવી પાલિકાની કચેરીનું નિર્માણ કર્યું તે મહાનગરપાલિકાને ધ્યાને લઇને જ કરવામાં આવ્યું છે. જેના કારણે કોઇ વધારાની સુવિધાઓ પણ ઉભી કરવાની જરૂરત રહેશે નહીં.