અટલજીના વિચાર મુજબ લોકશાહી ત્યારે જ સાચી રીતે સાર્થક બને છે જ્યારે સામાન્ય નાગરિકને શાસન અને વહીવટમાં પોતાની ભાગીદારીનો અહેસાસ થાય. તેઓ હંમેશા આ વાત પર ભાર મૂકતા કે પારદર્શિતા, જવાબદારી અને સંવેદનશીલતા ધરાવતું શાસન જ સાચું સુશાસન ગણાય.


જમીન અને મિલકત સંબંધિત પ્રક્રિયાઓને પારદર્શક અને ઝડપી બનાવવાનો સરકારનો સંકલ્પ

સુશાસન દિવસ અંતર્ગત દર વર્ષે વિવિધ જનહિતલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ અનુસંધાને તા. ૨૦ ડિસેમ્બરને “મહેસુલી સુધારા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને તેમના મિલકત સંબંધિત અધિકારો સરળતાથી પ્રાપ્ત થાય તથા વહીવટ વધુ લોકાભિમુખ બને તે છે. મહેસુલી સુધારાઓ દ્વારા જમીન અને મિલકત સંબંધિત પ્રક્રિયાઓને પારદર્શક અને ઝડપી બનાવવાનો સરકારનો સંકલ્પ પ્રતિબિંબિત થાય છે.

મિલકત ધરાવનાર નાગરિકોને કાયદેસર માલિકી અધિકાર આપવામાં આવે છે

ગ્રામીણ ભારતના નાગરિકોને તેમની મિલકતના કાયદેસર અધિકારો પ્રદાન કરી શકાય અને ગામડાંમાં આર્થિક સશક્તિકરણને વેગ મળી રહે તે ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦માં “સ્વામિત્વ યોજના” અમલી બનાવવામાં આવી હતી. આ યોજના હેઠળ ડ્રોન આધારિત સર્વેક્ષણના માધ્યમથી ગ્રામીણ આબાદી વિસ્તારોની રહેણાંક જમીનની ચોક્કસ માપણી કરવામાં આવે છે અને મિલકત ધરાવનાર નાગરિકોને કાયદેસર માલિકી અધિકાર આપવામાં આવે છે.

બોટાદના 176 ગામોમાં ડ્રોન ફ્લાઇટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે

સ્વામિત્વ યોજનાનો મુખ્ય લાભ એ છે કે મિલકતના માલિકને “પ્રોપર્ટી કાર્ડ” આપવામાં આવે છે, જે તેમની માલિકી હક્કનો કાયદેસર પુરાવો ગણાય છે. આ પ્રોપર્ટી કાર્ડના આધારે નાગરિકો બેંક લોન મેળવવી, સરકારી યોજનાઓનો લાભ લેવો તથા મિલકત સંબંધિત વિવાદોથી મુક્તિ મેળવવા સક્ષમ બને છે. આ રીતે સ્વામિત્વ યોજના માત્ર મિલકત અધિકાર પૂરતી સીમિત ન રહી, પરંતુ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાનું શક્તિશાળી સાધન બની છે. બોટાદ જિલ્લામાં સ્વામિત્વ યોજના અન્વયે ગ્રામીણ આબાદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમની મિલકતનો અધિકાર પ્રાપ્ત થાય તે હેતુથી જિલ્લામાં કુલ ૧૭૬ ગામોમાં ડ્રોન ફ્લાઇટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

મહેસુલી સુધારા દિવસ જેવા કાર્યક્રમો ભારતના શાસનતંત્રને વધુ પારદર્શક

જેમાંથી બોટાદ જિલ્લાના ૧૦૮ ગામોમાં પ્રમોલગેશન સહિતની સ્વામિત્વ યોજનાની તમામ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી કુલ ૧૩,૦૪૨ પ્રોપર્ટી કાર્ડ (મિલકત અધિકાર કાર્ડ)નું વિતરણ કરવામાં આવ્યું છે. સ્વામિત્વ યોજના જેવા સુશાસનના પ્રયાસો દ્વારા સરકાર દ્વારા ગ્રામ્ય નાગરિકોમાં માલિકીનો ભાવ મજબૂત બનાવાયો છે જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે પોતાનાં ભવિષ્યની યોજના બનાવી શકે છે. આ રીતે, સ્વ.અટલ બિહારી વાજપેયીજીના વિચારોને અનુસરી સુશાસન દિવસ અને મહેસુલી સુધારા દિવસ જેવા કાર્યક્રમો ભારતના શાસનતંત્રને વધુ પારદર્શક, જવાબદાર અને લોકહિતલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.


આ પણ વાંચો : Ahmedabad News : નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદ-ગાંધીનગરના 40થી વધુ રિયલ એસ્ટેટ ગ્રુપ જોડાયા


 

  • Follow us on: