બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આજે સવારે એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે, જેમાં સામાકાંઠા ચાર રસ્તા નજીક આવેલી હજારીયાની વાડીના એક રૂમમાંથી એક શ્રમિક મહિલાનો હત્યા કરવામાં આવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


મૃતક મહિલાની ઓળખ ચંપાબેન સતીષભાઈ વસાવા તરીકે થઈ

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, મૃતક મહિલાને બોથડ પદાર્થના તીવ્ર ઘા ઝીંકીને ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે. આ ઘાતકી કૃત્યને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ ચંપાબેન સતીષભાઈ વસાવા તરીકે થઈ છે. પોલીસ તપાસ મુજબ, ચંપાબેન અને તેમના પતિ સતીષ વસાવા આ વાડીમાં ભાગીયા તરીકે મજૂરી કામ કરતા હતા અને અહીંના રૂમમાં જ રહેતા હતા.

મહિલાનો પતિ સતીષ વસાવા ફરાર

જોકે, ઘટના બાદથી જ મહિલાનો પતિ સતીષ વસાવા ફરાર થઈ ગયો છે. આ સંજોગો જોતા પોલીસે પ્રાથમિક શંકા વ્યક્ત કરી છે કે, અંગત કે પારિવારિક કારણોસર પતિ સતીષ વસાવાએ જ પત્ની ચંપાબેનની હત્યા કરી હોય શકે છે. પોલીસે આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપી પતિને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ ચાલુ કરી છે. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે, જેથી હત્યાના ચોક્કસ કારણ અને સમય વિશે વધુ માહિતી મળી શકે. આ કેસમાં પોલીસ ટૂંક સમયમાં ભેદ ઉકેલી નાખશે તેવી આશા છે.


આ પણ વાંચો - Anand News: SHRI P M TOBACCO માં સ્ટેટ GSTની મેગા રેડ, 72 કલાક સર્ચ ઓપરેશન બાદ પણ GSTની ચોરીની માહિતી અકબંધ


  • Follow us on: