બોટાદ જિલ્લાના તુરખા ગામે ગત 15 જાન્યુઆરીના રોજ એક પરિવાર પર થયેલા જીવલેણ હુમલાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 13 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલા આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નાનીબેન પરમાર નામના મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો હાલ સારવાર હેઠળ છે.


15 જાન્યુઆરીએ 13 લોકોએ કર્યો હતો હુમલો

આ ઘટનાને બે દિવસ વીતી જવા છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતા મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે પરિવારે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ 13 આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મહિલાનો મૃતદેહ સ્વીકારશે નહીં. હાલમાં મૃતકનો દેહ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે.

આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે

ન્યાય મેળવવા માટે મૃતકના સ્વજનો અને સમાજના આગેવાનોએ ભાવનગર આઈજી કચેરી ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. બોટાદ પોલીસે 13 લોકો સામે ગુનો તો નોંધ્યો છે, પરંતુ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. આ મામલે તંગદિલી વધતા પ્રશાસન અને પોલીસ દ્વારા પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ પરિવાર પોતાની માંગ પર અડગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: