છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામ પાસે આવેલી સુખી નદીમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નદીના પટમાં ચાલતી લીઝના ઊંડા ખાડામાં ડૂબી જવાથી ગંભીરપુરા ગામની 13 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં લીઝ માફિયાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રમતી વખતે કાળ આંબી ગયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગંભીરપુરા ગામમાં રહેતા સંજયભાઈ રાઠવાની 13 વર્ષીય પુત્રી કોમલબેન રાઠવા આજે સુખી નદીના કિનારે રમી રહી હતી. રમતા-રમતા અચાનક તેણીનો પગ લપસતા તે નદીના પટમાં લીઝ દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ખાડો પાણીથી ભરેલો હોવાથી અને વધુ ઊંડો હોવાથી માસૂમ બાળકી બહાર નીકળી શકી ન હતી અને તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.













