છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક તાંદલજા ગામ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાઇક પર સવાર ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. વાસણા ગામના રહેવાસી કનુભાઈ રોહિત, બાબરભાઈ વણકર અને ધુરાભાઈ વણકર નામના આ ત્રણેય યુવકો બાઇક પર સવાર થઈને બોડેલી ખાતે એક લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય યુવકોનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. નવાઈની વાત તો એ છે કે મૃતકોની બાઇક ઘટનાસ્થળથી લગભગ 600 મીટર દૂરથી મળી આવી હતી. જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. બનાવની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બોડેલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













