છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા ખાંડણિયા ગામ પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. છોટાઉદેપુરથી ગોંડલ જઈ રહેલી સરકારી એસટી બસ અને સામેથી આવી રહેલા આઈસર ટેમ્પો વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે એસટી બસ અને ટેમ્પો બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને કવાંટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


ST બસ ગોંડલ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત

આ દુર્ઘટનામાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કંડક્ટરની હાલત વધુ નાજુક જણાતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે બોડેલી રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ, આઈસર ટેમ્પોના ચાલકની સ્થિતિ વધુ કફોડી બની હતી, કારણ કે ટક્કરને પગલે તે કેબિનમાં ફસાઈ ગયો હતો. અંતે ટેમ્પોની બોડી કાપીને ભારે જહેમત બાદ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. બસમાં સવાર મુસાફરો પૈકી 2 થી 3 મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

ટેમ્પોની બોડી કાપીને ડ્રાઈવરને બહાર કઢાયો

કવાંટ પોલીસે ક્રેઈનની મદદથી બંને વાહનોને રોડ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરટેકિંગ અથવા તેજ ગતિને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. હાલમાં પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: