મકાન પર રંગરોગાન,લાઇટ ફિટિંગ સહિતના તમામ કામ પૂર્ણ થયા છે, પરંતુ સામાન્ય કામ અને “નંદઘર” નામ લખવાનું બાકી હોવાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ મકાન શરૂ થઈ શક્યું નથી.પરિણામે ગામના નાનાં બાળકો આજે પણ તેડાઘર બહેનના ઘરે બેસવા મજબૂર છે. આ છે સંખેડા તાલુકાના સારંગપુર ગામનું તૈયાર થયેલું આંગણવાડીનું મકાન.સરકાર દ્વારા નંદઘર તરીકે બનાવાયેલ આ મકાનમાં કલરકામ, લાઇટ ફિટિંગ સહિતની તમામ સુવિધાઓ પૂરી કરવામાં આવી છે.


મકાન તૈયાર હોવા છતાં ગામના લગભગ 46 બાળકોને આજે પણ વૈકલ્પિક વ્યવસ્થામાં બેસાડવામાં આવે છે

પરંતુ સામાન્ય લાગતી એક બાબત,એટલે કે “નંદઘર” નામ લખવાનું કામ ન થવાને કારણે આ મકાનનું લોકાર્પણ થઈ શક્યું નથી. તેવું ગામના લોકો નું કહેવું છે.છેલ્લા ત્રણ વર્ષથી આ મકાન બંધ હાલતમાં છે. મકાન તૈયાર હોવા છતાં ગામના લગભગ 46 બાળકોને આજે પણ વૈકલ્પિક વ્યવસ્થામાં બેસાડવામાં આવે છે. તેડાઘર બહેનના ઘરે આ બાળકોને ભણતર અને પોષણ આપવામાં આવે છે,જ્યાં પૂરતી જગ્યા અને જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળે છે.નવા નંદઘરથી વંચિત રહેતા બાળકોના માતા-પિતામાં પણ રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

તંત્રને વારંવાર રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવતું નથી

ગામના સરપંચનું કહેવું છે કે, વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે પણ બાળકોની કોઈ ચિંતા કરતા નથી. હાલ બાળકોને તેડાઘર બહેનના ઘરે બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ત્યાં વાલીઓ બાળકોને મોકલતા ગભરાય છે કારણ કે મકાન કાચું છે. આ સમગ્ર બાબતે હવે ગામના લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે તૈયાર મકાન હોવા છતાં ત્રણ વર્ષથી લોકાર્પણ કેમ નથી થયું?આ બેદરકારી માટે જવાબદાર કોણ ? નાના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા આ પ્રશ્ન પર તંત્રની નિષ્કાળજી ખુલ્લેઆમ સામે આવી રહી છે.વાલીઓ દ્વારા વહેલી તકે નંદઘર શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે.

ગામના કાચા મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે

જ્યાં ગામના કાચા મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે ત્યાંની આંગણવાડી બહેનનું કહેવું છે કે, બાળકોને અહીં આવવું દૂર પડે છે બાળકોની 46 છે પણ હવે ફક્ત 16 બાળકો આવે છે.આંગણવાડી બહેને પણ તંત્રમાં જાણ કરી છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે મકાનનું કામ પૂર્ણતાને આરે છે પેન્ટિંગના ફિશીંગના લેવલનું કામ બાકી છે ગામ પંચાયતમાં ઘણા સમય સુધી વહીવટદાર રહ્યા જેને લઈ સપોર્ટ મળ્યો ના હતો. સરપંચની ચૂંટણી થઈ ગઈ છે અને આ કામ મનરેગાનું કામ છે જે હવે પૂર્ણ કરી દેવામાં આવશે.

નંદઘરનું આ મકાન હજી વધુ સમય સુધી લોકાર્પણની રાહ જોતું રહેશે !

સંપૂર્ણ રીતે કહી શકાય તેવી રીતે આંગણવાડીનું મકાન તૈયાર છે.તમામ સુવિધાથી સંપન્ન છે છતાં સામાન્ય કહી શકાય તેમ નંદઘર લખવાનું બાકી હોવાને લઈ છેલ્લા ત્રણ વર્ષથી આ મકાન બંધ હાલતમાં છે. મકાન ઉપર તાળા લટકી રહ્યા છે. આ સ્થિતિ અધિકારીઓની બેદરકારી તરફ ઈશારો કરી રહી છે અને બાળકોને તેડાઘર બહેનના ઘરે બેસવું પડે છે. સરકાર એક તરફ નંદઘર જેવી યોજનાઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની વાત કરે છે, તો બીજી તરફ તૈયાર મકાન હોવા છતાં માત્ર નામના અભાવે બાળકો ત્રણ વર્ષથી સુવિધાથી વંચિત રહે છે. હવે જોવાનું રહ્યું કે વાલીઓ અને ગામલોકોની માગ બાદ તંત્ર જાગે છે કે પછી નંદઘરનું આ મકાન હજી વધુ સમય સુધી લોકાર્પણની રાહ જોતું રહેશે.


આ પણ વાંચો : WEF 2026 News : દાવોસમાં ગુજરાતનો ડંકો, નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં 58થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા વૈશ્વિક રોકાણકારો સાથે ગુજરાતના અતૂટ વિશ્વાસનું જોડાણ


  • Follow us on: