ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે, તેમ છતાં તંત્ર અને વાહન ચાલકો જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગે છે. તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને ચારોલા વિસ્તારમાંથી 'મોતની સવારી'ના એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને પળવાર માટે તમારા શ્વાસ થંભી જશે.
છત પર પણ મુસાફરો બેસાડવામાં આવ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઈકો ગાડીની છત પર સામાનની સાથે સાથે મુસાફરો પણ બેસાડવામાં આવ્યા છે. કચ્છ અને કાઠિયાવાડથી મજૂરી કામ કરીને પરત ફરી રહેલા આ શ્રમિકોને ઘેટાં-બકરાની જેમ ગાડીની અંદર તો ઠીક, પણ છત પર પણ બેસાડીને જીવનના જોખમે લઈ જવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બોડેલી, ચારોલા અને નર્મદા કેનાલ પાસેના માર્ગો પર આ પ્રકારની બેદરકારી ખુલ્લેઆમ જોવા મળી રહી છે.













