ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા છોટા ઉદેપુર જિલ્લાના વાઘસ્થળ ડુંગર પર ભીષણ આગ ફાટી નીકળી છે. મધ્યપ્રદેશના જંગલોમાંથી શરૂ થયેલી આ આગ પવનના વેગને કારણે ગુજરાતના સરહદી જંગલ વિસ્તાર સુધી પ્રસરી જતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. મધ્યપ્રદેશના વેલાર ગામ પાસેના જંગલ વિસ્તારમાં લાગેલી આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગુજરાતના વાઘસ્થળ ડુંગર સુધી પહોંચી ગઈ છે. સૂકા ઘાસ અને પાંદડાઓને કારણે આગે જોતજોતામાં ડુંગરાળ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો છે.


મધ્યપ્રદેશમાં લાગેલી આગ ગુજરાત સુધી પ્રસરી

બપોરના સમયથી શરૂ થયેલી આ આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. હાલમાં વન વિભાગના 25થી વધુ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, વિસ્તાર અત્યંત ડુંગરાળ અને પથરાળ હોવાને કારણે ફાયર ફાઈટરો કે પાણીના ટેન્કરો ત્યાં પહોંચવા મુશ્કેલ છે. જેના લીધે આગ ઓલવવાની કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે.

ડુંગરાળ વિસ્તારમાં આગને કાબુમાં લેવા મુશ્કેલી

આ ભીષણ આગને કારણે જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થયો છે. અનેક કિંમતી વનસ્પતિઓ બળીને ખાખ થઈ રહી છે, ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: