છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રખડતા અને હડકાયા કૂતરાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સંખેડાના સોનગીર અને ઇન્દ્રાલ ગામમાં એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે, જેમાં ઘર આંગણે બેઠેલા આધેડ અને એક માસૂમ બાળક સહિત ત્રણ લોકો કૂતરાનો શિકાર બન્યા છે.


ઘર આંગણે બેઠેલા આધેડ પર હુમલો

ઘટનાની મળતી માહિતી અનુસાર, સોનગીર-ઇન્દ્રાલ ગામમાં એક આધેડ પોતાના ઘરના આંગણે શાંતિથી બેઠા હતા, ત્યારે અચાનક એક હડકાયું કૂતરું દોડી આવ્યું હતું અને તેમના પર હુમલો કરી બચકા ભર્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં કૂતરાની વિકરાળતા સ્પષ્ટ જોઈ શકાય છે. કૂતરાએ માત્ર આધેડ જ નહીં, પરંતુ ગામના એક 12 વર્ષના બાળક અને અન્ય એક વ્યક્તિને પણ નિશાન બનાવ્યા હતા.




લોકો લાકડી લઈને ફરવા મજબૂર

કૂતરાના હુમલામાં ઘાયલ થયેલા ત્રણ પૈકી બે વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સોનગીર અને ઇન્દ્રાલ ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે, ગ્રામજનો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને રક્ષણ માટે હાથમાં લાકડી લઈને ફરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ઉગ્ર માગ કરી છે.


આ પણ વાંચો -  Chhota Udepur News : છોટા ઉદેપુરમાં પોલીસે બુટલેગરની કારનો પીછો કરતા પલટી મારી, દારૂની થઈ રેલમછેલ


  • Follow us on: