છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસેથી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક રેતી સ્ટોક યાર્ડમાં ટ્રક લોડ કરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં એક પરપ્રાંતીય ટ્રક ડ્રાઈવરનું વીજ કરંટ લાગવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે રેતી સ્ટોક યાર્ડના સંચાલકોની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે.



ટ્રોલી વીજ વાયરને અડતાં કરંટ ફેલાયો

મળતી માહિતી મુજબ, સુસ્કાલ ગામ પાસે આવેલા 'મીરા એન્ટરપ્રાઇઝ' નામના રેતી સ્ટોક યાર્ડમાં મધ્યપ્રદેશનો એક યુવાન ટ્રક ડ્રાઈવર પ્રતાપસિંહ ચૌહાણ પોતાનું વાહન લઈને આવ્યો હતો. યાર્ડમાં કામગીરી દરમિયાન ટ્રકની પાછળની ટ્રોલી ઉપર જતી હાઈટેન્શન વીજ લાઈનના વાયરને અડકી ગઈ હતી. ટ્રોલી અડકતાની સાથે જ જોરદાર શોર્ટ સર્કિટ થયો હતો અને વીજ વાયર તૂટીને ટ્રક પર પડ્યો હતો. જેના કારણે આખી ટ્રકમાં હાઈવોલ્ટેજ કરંટ પ્રસરી ગયો હતો અને ચાલક પ્રતાપસિંહ ચૌહાણનું વીજ કરંટની ચપેટમાં આવી જતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


એક જ સ્થળે 5 મહિનામાં બીજું મોત

આ રેતી સ્ટોક યાર્ડમાં બેદરકારીનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આજથી બરાબર પાંચ મહિના પહેલા પણ આ જ મીરા એન્ટરપ્રાઇઝના પરિસરમાં વીજ કરંટ લાગવાના કારણે એક સગીર વયના શ્રમજીવી કામદારનું મોત નીપજ્યું હતું. એક જ સ્થળે ટૂંકા ગાળામાં બે-બે માસૂમ લોકોના જીવ જવા છતાં યાર્ડના માલિક કે તંત્ર દ્વારા કોઈ સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા ન હતા, જેને કારણે માલિકની ગંભીર બેદરકારી સામે આવી છે.


મોતનો મલાજો પણ ન જાળવ્યો, વેચાણ ચાલુ રાખ્યું!

આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પરિસરમાં એક માનવીનું વીજ કરંટથી મોત થયું હોવા છતાં, સ્ટોક યાર્ડના લોભી માલિકે મોતનો લઘુત્તમ મલાજો પણ જાળવ્યો ન હતો. અકસ્માત બાદ પણ યાર્ડમાં રેતીનો સ્ટોક ખાલી કરવાનું અને વેચાણ કરવાનું કામ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


અકસ્માતે મોતનો ગુનો દાખલ

ઘટનાની જાણ થતાં જ પાવીજેતપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે મીરા એન્ટરપ્રાઈઝના માલિક સામે કાયદાકીય ગાળિયો કસવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Chhotaudepur:ઘેલવાંટ ગામે ટ્રકની ટક્કરે ટ્રેક્ટર પાછળ બેસેલ યુવાનનું મોત થયું


  • Follow us on: