બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા નજીકથી થયેલા એક બાળકના અપહરણની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શરૂઆતમાં સામાન્ય અપહરણ લાગતી આ ઘટનાના તાર ગુજરાતથી છેક મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્ર પ્રદેશ સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સૌ પ્રથમ સ્થાનિક 3 શખ્સોની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછમાં આ આંતરરાજ્ય બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.


AI ટેકનોલોજીની મદદથી મુખ્ય સૂત્રધારની ધરપકડ

બનાસકાંઠા પોલીસે આ કેસને ઉકેલવા માટે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો સહારો લીધો હતો. આ ટેકનોલોજીની મદદથી પોલીસે તેલંગાણાના મુખ્ય સૂત્રધાર મુર્ગન અને તેના બે સાગરીતોને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુર્ગન અને તેની પત્ની અગાઉ પણ બાળ તસ્કરીના ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેમની વિરૂદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે.

અત્યાર સુધીમાં 8 બાળકોને વેચ્યા હોવાનો ઘટસ્ફોટ

પકડાયેલી ગેંગની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ગંભીર વિગતો બહાર આવી છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં 8 જેટલા માસૂમ બાળકોને જુદા જુદા રાજ્યોમાં વેચ્યા હોવાની કબૂલાત કરી છે. બાળકોને ક્યાંથી ઉપાડવામાં આવ્યા હતા અને કોને વેચવામાં આવ્યા હતા, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ રેકેટમાં હજુ પણ 4 થી 5 જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે, જેમના માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

આંતરરાજ્ય કનેક્શન અને પોલીસની સઘન તપાસ

બનાસકાંઠા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો આ કેસમાં કડીઓ જોડી રહી છે. આટલા મોટા પાયે ચાલતા રેકેટનો પર્દાફાશ થતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા હવે આ ગેંગના આર્થિક વ્યવહારો અને અન્ય રાજ્યોમાં રહેલા તેમના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે, જેથી બાકીના બાળકોને પણ સુરક્ષિત રીતે શોધી શકાય.


આ પણ વાંચો - Palanpur: ભરચક બજારમાં આગની ઘટનાથી અફરાતફરી, એકસાથે 3 વાહનોમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા


  • Follow us on: