ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ધોળા દિવસે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ખારાકુવાના ખાંચા પાસે આવેલી મોદીફળીમાં બે ગઠિયાઓ એક વૃદ્ધાને વાસણ અને દાગીના સાફ કરી આપવાની લાલચ આપી તેમની અઢી તોલા સોનાની બંગડીઓ લઈ રફુચક્કર થઈ ગયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી
દહેગામની મોદીફળીમાં રહેતા 75 વર્ષીય ચંદ્રિકાબેન શાહ બપોરના સમયે ઘરે એકલા હતા, ત્યારે બાઇક પર બે અજાણ્યા યુવકો આવ્યા હતા. ગ્રીન અને વ્હાઇટ શર્ટ પહેરેલા આ યુવકોએ વાસણ ઘસવાનો પાઉડર વેચતા હોવાનો દાવો કર્યો હતો. વિશ્વાસ જીતવા માટે તેમણે પિત્તળનો લોટો સાફ કરી ડેમો આપ્યો અને ત્યારબાદ સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી.













